ગુજરાતના અનેક સ્થળો પર વરસાદી માહોલ જામ્યો છે પરંતુ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો. ત્યાંના લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યલો તેમજ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગે 23 તારીખ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. સાર્વત્રિક વરસાદ વરસી શકે છે આખા રાજ્યમાં પરંતુ અમરેલી, ભાવનગર, જૂનાગઢ. ભરૂચ, નર્મદા, તાપી, સુરત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 24 તારીખની વાત કરીએ તો અમરેલી, બોટાદ,છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ભાવનગર, ભરૂચ, સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?
હવામાન વિભાગ દ્વારા તો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર 22થી 24 તારીખ દરમિયાન હવામાનમાં ફેરફાર આવી શકે છે. 22,23 તેમજ 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે. 28 તારીખ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી વાત તેમણે કરી હતી. ત્યારે જોવું રહ્યું કે મેઘરાજા ક્યાં પધરામણી કરશે.. ગરમી તેમજ ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.