રાજ્યનું વાતાવરણ એવું છે કે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ વહેલી સવારે અને રાત્રે થઈ રહ્યો છે. વાતાવરણ એકદમ સૂસ્તીવાળું થઈ ગયું છે. ગુજરાતના વાતાવરણમાં અવાર-નવાર ફેરબદલ આવી રહ્યો છે. કોઈ વખત ઠંડી તો કોઈ વખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો વરસાદ આવવાની સંભાવના રહેલી છે તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.
માવઠાને લઈ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી!
છેલ્લા એક બે દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ તારીખ 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તેવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય હવામાન વિભાગની આગાહી પણ આવું જ કંઈ કહે છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.
ભારતના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!
આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 1થી 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો થઈ શકે છે. હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે આ જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.