સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે એવી ઠંડી નથી પડી. મહિનાના શરૂઆતમાં કોઈ વખત કમોસમી વરસાદ આવ્યો હતો તો કોઈ વખત બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. ડિસેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફરી એક વખત નલિયા ગુજરાતનું સૌથી ઠંડું પ્રદેશ બન્યું હતું. રવિવારે 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે.
અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ
આ વખતની ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ઠંડીનો ચમકારો પણ વધારે થશે. આ વખતે ભુક્કા બોલાઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ડિસેમ્બર સુધીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો ન હતો. કોઈ કોઈ વખત જાણે ઠંડીનો અનુભવ થતો હતો તેવું લાગ્યું. શિયાળાની શરૂઆતમાં માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રવિવારે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી પર પહોંચ્યું હતું, ડીસાનું તાપમાન 14.4 ડિગ્રીએ, સુરતનું તાપમાન 19.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. તે ઉપરાંત વડોદરાનું તાપમાન 17.4, દમણનું 18.2, નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 18.0, દ્વારકાનું તાપમાન 16.9, ઓખાનું તાપમાન 20.2 ડિગ્રી પર આવી પહોંચ્યું હતું. પોરબંદરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીને કારણે ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે.