રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે.. શનિવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.. આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલા બેસી ગયું જેને કારણે એવું લાગતું હતું કે સારો વરસાદ થોડા દિવસોની અંદર જ વરસી જશે પરંતુ વરસાદનું જોર ધીરે ધીરે ઘટી ગયું છે.. એક તરફ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીથી રાહત નથી મળી..!
આજે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે..
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક ભાગોમાં આજે વરસાદ વરસી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર દાહોદ, નવસારી, વલસાડ, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.. ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ભાવનગર, સોમનાથ, જૂનાગઢ, મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે.. વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે...
ક્યાં વરસી શકે છે વરસાદ?
14 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 15 તારીખે નવસારી, તાપી, દાદરા નગર હવેલી, વલસાડ. ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. શનિવારથી આમ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ રાજ્યના થોડા જ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી.
ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું..!
મહત્વનું છે કે એક તરફ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે તો અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 જ્યારે અમદાવાદનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.. આવનાર દિવસોમાં ચોમાસાનું જોર ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે..