ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કારણે શિયાળાના અંતમાં પણ માવઠું આવ્યું હતું. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ લોકોને હેરાન કર્યા હતા અને શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે પણ કમોસમી વરસાદ આવ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આવનાર દિવસમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો!
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ગરમીનો અહેસાસ બપોરના સમયે થઈ રહ્યો છે. એક સમય હતો કે શિયાળામાં બપોરના સમયે પંખો ચલાવવાનો વારો આવ્યો હતો. લોકોને થઈ રહ્યું હતું કે હમણાં જો આ પરિસ્થિતિ છે તો ઉનાળામાં શું થશે? ગરમીમાં કેવી અહેસાસ થશે તેની ચિંતા થઈ રહી છે લોકોને. ત્યારે આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસોમાં વાતાવરણ સૂકૂં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
9 તારીખ બાદ થવા લાગશે ગરમીનો અહેસાસ!
ગુજરાતના અનેક ભાગોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ લધુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતુ. લઘુત્તમ 16.4 અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું. 9 તારીખ બાદ તાપમાનનો પારો હજી વધારે વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.
માર્ચમાં આવી શકે છે માવઠું!
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે. આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. આગાહી કરતા તેમણે કહ્યું કે 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે એટલે કે હવે આપણે ધીમે-ધીમે ઉનાળા તરફ આગળ વધી રહ્યા છીએ. ધીમે ધીમે ઠંડીમાંથી છૂટકારો મળશે. માવઠાને લઈ તેમણે કહ્યું કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે.