રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા ત્યારે શિયાળો વિદાય લેતી વખતે પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે અને આવતી કાલ માટે તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. પહેલી માર્ચે એટલે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી માર્ચ અંગે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠું આવવાની શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહીથી જગતના તાત ચિંતામાં મૂકાયા!
ખેડૂતોથી જાણે કુદરત રૂઠી હોય તેવું લાગે છે! જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી પ્રમાણસર માત્રામાં અને જ્યારે જરૂર નથી હોતી ત્યારે કમોસમી વરસાદના સ્વરૂપમાં ખેડૂતોને રડાવા માટે વરસાદ આવી જતો હોય છે! ભારતનું અર્થતંત્ર ખેતી પર પણ નિર્ભર રહેલું છે. ખેડૂતો ખેતરમાં કામ કરે છે ત્યારે જ આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. વાતાવરણમાં આવતો પલટો કદાચ આપણને સીધી અસર નહીં કરતો હોય પરંતુ જગતના તાત પર વાતાવરણના પલટાની સીધી અસર થતી હોય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળતું હોય છે. શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સિઝનની વચ્ચે પણ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો અને જ્યારે શિયાળાની સિઝન પૂર્ણ થવાને આરે છે ત્યારે પણ કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે.
આજે ક્યાં વરસી શકે છે વરસાદ?
માવઠા અંગેની વાત કરીએ તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. પહેલી અને બીજી માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
આવતી કાલ માટે કરવામાં આવી આ આગાહી..!
તે સિવાય બીજી માર્ચ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ તથા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.