જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી શું હોય તેનો અનુભવ જાણે રાજ્યમાં થઈ રહ્યો તેવું લાગે છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સાથે સાથે ધુમ્મસની ચાદર જાણે પથરાઈ હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ વખતે નલિયા સૌથી વધારે ઠંડુગાર સાબિત થયું છે ત્યાંનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહોરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો શહેરોની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 13.8 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.0 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કંડલાનું તાપમાન 10.9 ડિગ્રી પર પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મહદ અંશે કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેને કારણે કમોસમી વરસાદના રાઉન્ડ માટે રાજ્યના અનેક ભાગોએ તૈયાર રહેવું પડશે. 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.