સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વખતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. એક તરફ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. સામાન્ય રીતે નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે પરંતુ આ વખતે સૌથી ઓછું તાપમાન ડીસાનું નોંધાયું છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પોરબંદરનું તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર નહીં આવે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે,
માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા
મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી સાંભળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે ઠંડી વધારે વધવાને કારણે લોકો તાપણ કરતા પણ દેખાયા હતા. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે ઠંડીને કારણે.. મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં માવઠું આવ્યું હતું જેને કારણે ઠંડીનો મોડેથી અહેસાસ થયો હતો.