ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર 17 તારીખ સુધી અને તે બાદ અનેક ભાગોમાં ભીષણ ગરમી વરસી શકે છે..
આવનાર દિવસોમાં વધી શકે છે તાપમાન
ઉનાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે લોકોને અસહ્ય તાપ સહન કરવો પડી રહ્યો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળામાં, ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ થયો જેને કારણે ઠંડીથી રાહત મળી પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધી જશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે..
આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી
આવતી કાલ માટે હીટવેવની આગાહીની વાત કરીએ તો ભાવનગર, સુરત, પોરબંદર તેમજ કચ્છ માટે કરવામાં આવી છે. તે ઉપરાંત 17 તારીખની વાત કરીએ તો પોરબંદર, સુરત, ભાવનગર, કચ્છનું તાપમાન વધી શકે છે...વલસાડ માટે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે..
ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ?
કમોસમી વરસાદ અંગે વાત કરીએ તો આવતી કાલે ખેડા, આણંદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે.. મહત્વનું છે કે આજે પણ ગુજરાતના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કમોસમી વરસાદ છે, રાજકોટમાં કમોસમી વરસાદ છે.. તે ઉપરાંત કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવું જોઈએ ઉપરાંત વધારેમાં વધારે પાણી પીવું જોઈએ..