સમગ્ર ગુજરાત જ્યારે દિવાળીનો પાવન પર્વ ઉજવવા તૈયાર બેઠું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી બાબતે ગૃહમંત્રાલય તરફથી ભેટ આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા ટ્રાફિક સિગ્નલ પર દંડ નહીં લેવાનો નિર્ણય લીધો છે.
લોકોને ભૂલ સમજાય માટે પોલીસ ફૂલ અપાશે
ગુજરાત પોલીસના ગૃહ વિભાગથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 27 ઓક્ટોબર સુધી ગુજરાતના કોઈ પણ પોલીસ મથક પર પોલીસ દંડ નહીં વસૂલે. દિવાળીનો સમય છે માટે લોકોને દંડમાંથી છૂટ આપવામાં આવી છે. તહેવારોના સમયમાં લોકો ગામડે જતા હોય છે, તહેવાર મનાવતા હોય છે. ગામડેથી લોકો ફરવા માટે શહેરોમાં આવતા હોય છે ત્યારે હર્ષ સંઘવીએ 27 ઓક્ટોબર સુધી કોઈ પણ દંડ ન લેવાની જાહેરાત કરી છે.
ગુજરાતના ગામડાઓમાં કે તાલુકા વિસ્તારોમાં કોઈ સિગ્નલની વ્યવસ્થા નથી જોવા મળતી કારણ કે તે વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઓછું હોય છે. મહાનગરોમાં ટ્રાફિકનું ભારણ વધુ હોવાના કારણે તેમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમો ગામડામાં નથી હોતા પરંતુ શહેરોમાં ચુસ્ત પણે નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જે નિયમોનું પાલન નથી કરતા તેને ઓનલાઈન ઈ-મેમો આપાય છે અથવા તો ટ્રાફિક પોલીસ સ્થળ પરથી જ વાહન રોકીને દંડ વસૂલતી હોય છે. ત્યારે ચાર દિવસ માટે લોકોને છૂટ આપવામાં આવી છે તો લોકો પોલીસના ટ્રાફિક નિયમો અને આ સમય દરમિયાન કેવો વ્યવહાર કરશે તે જોવાનું રહેશે.