એક તરફ સરકાર દ્વારા રોજગારી આપવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ અનેક એવી જગ્યાઓ છે જ્યાં સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવી. લાખો લોકો ભરતીની રાહ જોતા હોય છે. અનેક વખત ભરતી પ્રક્રિયાની જાહેરાત થાય છે પરંતુ કોઈને કોઈ વાતને લઈ અનેક એવી ભરતીઓ છે જેને રદ્દ કરવામાં આવી છે. ત્યારે ભરતી પ્રક્રિયાને લઈ મુખ્ય સચિવ રાજકુમારે મોટું નિવેદન આપ્યું છે. સુશાસન દિવસ પર આયોજીત કાર્યકમમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ છે. ત્યારે આવતા વર્ષ સુધી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના આધારે ઘટ પૂર્ણ કરાશે. મુખ્ય સચિવ રાજકુમારે જાહેરાત કરી છે.
4 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે!
વિવિધ ભાગોમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી થાય તે માટે પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. અનેક ભરતી પ્રક્રિયાઓ એવી પણ છે જેમાં ગેરરીતિ થયા હોવાને કારણે તેને રદ્દ કરવામાં આવે. અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં ગેરરીતિ થઈ હોય અને છેલ્લે યુવાનોને ભોગવવાનો વારો આવે છે. સરકારના વિવિધ વિભાગો એવા છે જ્યાં કર્મચારીઓની ઘટ છે. કર્મચારી ન હોવાને કારણે અનેક કામો અટકી જતા હોય છે. ત્યારે ઘટ મુદ્દે મુખ્ય સચિવે મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે સ્વીકાર્યું છે કે અનેક વિભાગોમાં 50થી 60 ટકાની ઘટ છે. આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરુ કરીશું. જુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને નવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે.