કોરોના બાદ રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરે બાળકો તેમજ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે. લોકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પહેલા પોલીસ કર્મીને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી ત્યારે હવે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. આવતી કાલે તેમજ 17 ડિસેમ્બરના રોજ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષકોને આપવામાં આવશે સીપીઆરની ટ્રેનિંગ
આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. આ અંગે એક વીડિયો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.
3 અને 17 ડિસેમ્બરે ટ્રેનિંગ અભિયાનનું કરાયું છે આયોજન
હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 અને 17 ડિસેમ્બર 2023ના રોજ રાજ્યની 37 મેડિકલ કોલેજોમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર કોઈને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકતો હોય છે. આપણે પોલીસ જવાનના અનેક એવા વીડિયો જોયા હશે જેમાં વ્યક્તિને સીપીઆર આપવામાં આવે છે અને તે વ્યક્તિનો જીવ બચી જાય છે!