કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકને કારણે મોત ભેટી રહ્યા છે તો વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના મોત થઈ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે લાખથી વધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 17 ડિસેમ્બરે પણ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.
બાળકોને આવી રહ્યા છે હાર્ટ એટેક
એક સમય હતો જ્યાં એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે છે. પરંતુ કોરોના બાદ તો આ વાત ખોટી સાબિત થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક એવા કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. બાળકોમાં વધી રહેલા હૃદયહુમલાને કારણે શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે.
શિક્ષકોને આપવામાં આવી સીપીઆરની ટ્રેનિંગ
એવું માનવામાં આવે છે કે જો તરત સારવાર મળી રહે તો જીવ બચી શકતો હોય છે. સીપીઆર આપતા જો આવડતું હોય તો અનેક વખત પ્રાથમિક સારવારથી જીવ બચાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રીએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે. તે ઉપરાંત બે લાખ જેટલા શિક્ષકોને આ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. મહત્વનું છે કે હવે બાળકોના જીવ બચાવવાની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી રહી છે!