ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારના વિવિધ વિભાગોનાં કર્મચારી સંગઠનો તેમની માંગણીને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. પાટનગર ગાંધીનગર આજે આંદોલનનગર બની ગયું છે. શહેરના સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં આંદોલનકારીઓનો ભારે મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. જોકે તે પૈકી એસટી (ST) નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે અને રાજ્યમાં ગુજરાત એસટી કર્મચારીઓની જીઅને રાજ્યમાં ગુજરાત એસટી કર્મચારીઓની જીત થઈ છે.
કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સમાધાન થયું
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ એસટી નિગમના કર્મચારીઓની તમામ મુદ્દાઓની માગણી સ્વીકારીને તે અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં વધુ એક આંદોલન સમેટાયું છે.
માસ CLનું હથિયાર ઉગામ્યું હતું
ST નિગમના કર્મચારીઓ છેલ્લાં 25 વર્ષથી અલગ-અલગ ભથ્થાઓની માગણી કરી રહ્યા હતા. તેમણે આગામી 22મી સપ્ટેમ્બરથી માસ CL પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. જોકે બેઠકમાં સરકાર અને યુનિયન વચ્ચે સમાધાન થયું છે અને સરકારે 10 મુદ્દે માગણીઓનો સ્વીકાર કર્યો છે જેથી ગુજરાતના એસટી કર્મચારીઓની જીત થઈ છે.
રાજ્યના તમામ એસટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. તેમણે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ સહીત રાજ્યના દરેક એસટી ડેપો ખાતે રિસેસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.