ગુજરાતનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે... ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મતદાન થાય તે પહેલા સુરત બેઠક પર ઉતરેલા બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનબરીફ જાહેર થઈ ગયા અને તે સાંસદ પણ બની ગયા.. આજે સુરતમાં થયેલી ઘટનાની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે રાજકોટમાં કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ એક ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે જાણકારી આપી છે કે, રાજકોટમાં પણ સુરત જેવું થતા થતા રહી ગયું.! આ ટ્વિટને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે..
પરેશ ધાનાણીને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અપાઈ છે ટિકીટ
કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટ્વિટને વિસ્તારથી સમજીએ તો રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પહેલા વિક્રમ સોરાણીને ટિકીટ આપવાની હતી. વિક્રમ સોરાણીને ટિકીટ આપવા માટે પાર્ટી વિચારણા કરી રહી હતી પરંતુ તે બાદ તેમની જગ્યાએ ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.
કોંગ્રેસના નેતાએ કટાક્ષ કરતા લખ્યું છે..
પોતાની ટ્વિટમાં ડો.હેમાંગ વસાવડાએ લખ્યું કે રાજકોટ લોકસભાના કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિક્રમ સોરાણીને ટિકીટ અપાવવા ખાસી કોશિશ કરી હતી . સારુઁ છે કે મારા જેવા લોકોએ સમયસર વિક્રમ સોરાણીને ટિકીટ આપતા કોંગ્રેસને રોકી નહીં તો સુરતવાળી રાજકોટમાં થતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિક્રમ સોરાણી એપ્રિલ મહિનાના અંત સુધીમાં ભાજપમાં જોડાઈ શકે છે...
સુરતીઓને વગર મતદાને મળી ગયા સાંસદ!
મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે આપણે સૌ જાણીએ છીએ.. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ઉમેદવારી પત્રમાં થયેલી સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું, તે ઉપરાંત બીજા ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત લીધું હતું. જેને કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા અને તે સાંસદ પણ બની ગયા.. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર બંને પાટીદાર નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક તરફ પરેશ ધાનાણી છે તો બીજી તરફ ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે...