રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. તેલંગાણા સિવાય ત્રણેય રાજ્યોમાં બીજેપી આગળ ચાલી રહી છે. ભાજપ ધમાકેદાર જીત હાંસલ કરશે તેવું હાલના સમયમાં લાગી રહ્યું છે. એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોથી જીતની ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારા સાથે ગાંધીનગર ખાતે કાર્યકર્તાઓ જીતના જશ્નમાં દેખાઈ રહ્યા છે.
ગુજરાત ભાજપે કરી જીતની ઉજવણી
લોકસભાની ચૂંટણી ભલે આવતા વર્ષે થવાની છે પરંતુ આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીને સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ ત્રણ રાજ્યોમાં અગ્રેસર દેખાઈ રહી છે. ભાજપ ત્રણેય રાજ્યોમાં જીત હાંસલ કરી શકે છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. જે રાજ્યોમાં બીજેપી જીત હાંસલ કરવા તરફ આગળ છે ત્યાં તો ઉજવણી થઈ રહી છે પરંતુ બીજા રાજ્યોમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાંથી પણ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતના કાર્યકર્તાઓ પણ જીત બાદ ગરબા કરતા દેખાયા હતા. તે ઉપરાંત ગુજરાતના મંત્રીઓના પણ આ અંગે નિવેદન સામે આવ્યા છે.