ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.આ બધા વચ્ચે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકીટ
ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાતો હોય છે. અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જતા રહે છે ત્યારે આજે કોંગ્રેસે ગુજરાત માટે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી, તેમના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાણકારી આપી હતી. ઉમેદવારીની તો ના પાડી પરંતુ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.
થોડા સમય પહેલા આપી દીધું હતું રાજીનામું
રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતું ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાશે તેની પર નજર હતી ત્યારે આજે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી દીધો છે. દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.