છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં તો 100 ટકા વરસાદ વરસી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. બે જિલ્લા જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે તે છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બીજું છે અમદાવાદ. વરસાદની સૌથી વધારે ઘટ આ બે જિલ્લાઓમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે જ્યારે અમદાવાદમાં 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. એક તરફ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે કહેર મચાવ્યો છે તો બીજી તરફ અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે.
અમદાવાદ તેમજ ગાંધીનગરમાં જોવા મળી વરસાદની ઘટ!
ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે લોકો ચિંતાતુર બન્યા હતા. ખાસકરીને ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી રાજ્ય પર મેહુલો મહેરબાન થયો. મન મૂકીને વરસ્યો. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ તો ખાબકી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યા બાદ પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે. એક જિલ્લો છે ગાંધીનગર અને બીજો જિલ્લો છે અમદાવાદ. આ બે જિલ્લાઓમાં વરસાદની ઘટ હજી નોંધાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં 24.29 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 79.41 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં સિઝનનો 72.16 ટકા વરસાદ નોંધાયો હતો.
જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 30.86 ઈંચ વરસાદ વરસ્યો છે. બાવળામાં 12.75 ઈંચ વરસાદ , દસ્ક્રોઈમાં 16.77 ઈંચ વરસાદ, દેત્રોજમાં 12.12 ઈંચ વરસાદ જ્યારે ધંધૂકામાં 32.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરામાં 26.10 ઈંચ વરસાદ, ધોળકામાં 14 ઈંચ વરસાદ જ્યારે માંડલમાં 15.39 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાણંદમાં 19.56 ઈંચ જ્યારે વિરમગામમાં 14.72 ઈંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયામ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.