ગઈકાલે રાજ્યસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ન માત્ર ગુજરાત માટે પરંતુ વિવિધ રાજ્યોના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંને છોડી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્ય સભા મોકલવાની જાહેરાત ભાજપે કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે. વિજય મુહુર્તમાં જે.પી.નડ્ડા ફોર્મ ભરવાના છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
રાજ્યસભા માટે આ ચાર નામોની કરાઈ પસંદગી!
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની સીટો માટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે તેમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો હોવાને કારણે તેમની જીત નક્કી માનવામાં આવે છે. ત્યારે આજે ભાજપના ગુજરાત માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે.
કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ કરાયા જાહેર
ગઈકાલે ન માત્ર ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. તે ઉપરાંત બિહાર માટે ડો. અખિલેશ પ્રસાદ સિંહના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિષેક સિંધવીને હિમાચલ પ્રદેશની ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારવાની છે તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ચંદ્રકાન્ત હિંડોરેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકમાંથી અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય તેલંગાણાથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમારની પંસદગી કરવામાં આવી છે.