નવલી નવરાત્રીના પહેલા જ દિવસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક એક ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ છે. જીપની બ્રેક ફેઈલ થતાં ધડાકાભેર આગળ જઈ રહેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. જીપમાં 19 લોકો સવાર હતા, જેમાં 9 લોકોના મોત અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની
શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન હદના રતનપુર ચેક પોસ્ટ પાસે બપોરે 3 વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. કલુઝર જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા જીપ આગળ જતી ટ્રક સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજયા હોવાની પ્રાથમિક માહિતી છે. અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની શામળાજી હોસ્પિટલમાં લવાયા છે. જીપમાં 19 જેટલા મુસાફર સવાર હતા, જેમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે આવી રહ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં જીપની ટ્રક સાથે એટલી જોરદાર ટક્કર થઇ હતી કે જીપ પલટી ગઈ હતી અને તેમાં સવાર 9 લોકો ફંગોળાઈને દૂર દૂર પડયા હતા, જેમાં 9 લોકોને જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના રાજસ્થાન રાજ્યની હદમાં બની છે, માટે રાજસ્થાન પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે.