જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનો કોટોકટ સાબિત થયો, પરંતુ સપ્ટેમ્બરમાં પડેલા વરસાદે ખેડૂતોના જીવમાં જીવ ઉમેર્યો છે. ઓગસ્ટમાં વરસાદ ન વરસવાને કારણે જગતનો તાત ચિંતિત થઈ ગયો હતો પરંતુ સપ્ટેમ્બરમાં ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે. ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસેલા વરસાદે ખેડૂતોને આનંદીત કરી દીધા છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી થોડા દિવસો દક્ષિણ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે. અનેક દિવસોથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી મેઘમહેર
લાંબા વિરામ બાદ રિસાયેલા મેઘરાજાએ ગુજરાતમાં ફરી પધરામણી કરી છે. છેલ્લા બે દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદ, ડાંગ, મહિસાગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જગ્યાઓમાં પડેલા અતિભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વરસ્યો આટલા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં 151 તાલુકામાં વરસાદની મહેર જોવા મળી છે. અનેક જિલ્લાઓમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો અનેક તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તે સિવાય જમાલપુર, નરોડા, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આ આગાહી
વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ઉત્તરપૂર્વના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 13મી અને 14મી સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સારો વરસાદ થતા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ઉપરાંત ડેમની જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે મેઘમહેર
વરસાદને લઈ આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 27 તેમજ 28 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભારેથી અતિભારે વરસાદી ઝાપટાનો સામનો કરવો પડી શકે છે. આખા સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જ્યારે ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદની મહેર જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.