રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જગનતો તાત ચિંતામાં મૂકાયો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વહેલી સવારથી કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. વાતાવરણમાં આવતા પલટાને કારણે કોઈ પણ સિઝન કેમ ના હોય પરંતુ વરસાદ આવી જતો હોય છે.માવઠાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પહેલી અને બીજી માર્ચના રોજ કમોસમી વરસાદ થશે અને આગાહી સાચી પણ પડી.
માવઠાને કારણે પાકને પહોંચ્યું નુકસાન
અનેક વિસ્તારોમાં માવઠાનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. દેવભૂમિ દ્વારકાથી દ્રશ્યો સામે આવ્યા જેમાં લગ્ન માટે બાંધવામાં આવેલો મંડપને નુકસાન પહોંચ્યું. આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ માટે કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાકને તો નુકસાન પહોંચે જ છે પરંતુ યાર્ડમાં રાખેલા પાક પણ પલળી જાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
આ જગ્યાઓ પર વરસી રહ્યો છે કમોસમી વરસાદ!
રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, જામનગર, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જ્યારે જામનગરના ગ્રામ વિસ્તારોમાં પણ માવઠાને કારણે વરસાદી માહોલ છવાયો. અરવલ્લી માલપુર સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તે સિવાય બનાસકાંઠામાં તો જાણે ચોમાસાની સિઝન આવી ગઈ હોય તેવું લાગે છે. મહત્વનું છે કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની આંખો ભીની થઈ ગઈ છે.