રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. અનેક જગ્યાઓ પર મેઘરાજાએ એટલી જોરદાર બેટિંગ કરી છે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા.. વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીમાં નોંધાયો છે.
અમદાવાદમાં ગઈકાલે જામ્યો હતો વરસાદી માહોલ
ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને વરસાદ ક્યારે આવે તેની રાહમાં હતા.. વરસાદ આવે અને આ ગરમીથી રાહત મળે. ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદ આવ્યો ન હતો પરંતુ ગઈકાલે અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. તે સિવાય સુરત જિલ્લાના પલસાણામાં સારો વરસાદ નોંધાયો છે.
ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ?
આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી જગ્યાઓ વરસાદ સામાન્ય વરસી શકે છે. તે સિવાય આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ તારીખો માટે કરાયેલી આગાહી પણ જાણી લો..
પહેલી જુલાઈની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો નવસારીમાં 106 એમએમ વરસાદ વરસ્યો જ્યારે સુરતના પલસાણામાં 103 એમએમ વરસાદ ખાબક્યો છે. તે સિવાય જાલપોરમાં 87 એમએમ જ્યારે વલસાડના ઉમરગામમાં 86 એમએમ, ખેરગામમાં 75 એમએમ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદમાં 64 એમએમ વરસાદ જ્યારે બોટાદમાં 61 એમએમ વરસાદ ખાબક્યો છે.
વરસાદને કારણે ગરમીથી મળી આંશિક રાહત
મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી આંશિક રાહત મળી છે. જગતના તાતની ચિંતા હળવી થઈ છે.. અનેક એવી તસવીરો સામે આવી છે જેમાં બાળકો વરસાદની મજા માણતા દેખાય છે તો પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પુલ ધરાશાયી થઈ જવાની ઘટના બને છે. પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી જાય છે.. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે તે અમને જણાવજો.