વિધાનસભા સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. પેપર ફૂટવાને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. ત્યારે વિધાનસભા ગૃહમાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધેયક રજૂ કરાયું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે યુવાનો દેવો ભવ, યુવાન શક્તિ દેવો ભવ.
આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સૂચવા કહો - હર્ષ સંઘવી
થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું. જેને કારણે અનેક યુવાનોના સપના વિખેરાઈ ગયા હતા. ત્યારે પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. ત્યારે વિધાનસભામાં પેપર લીક થયું અટકી શકે તે માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કર્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે હું વધુ બોલવા કરતા વધું સાંભળવાની તૈયારી સાથે આવ્યો છું. રાજ્ય સરકારે ઈનિશિયેટીવ લઈને બિલ બનાવ્યું છે. કોઈ ખામી હોય તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સૂચવા કહ્યું હતું. તે ઉપરાંત સરકારને પણ વિનંતી કરી હતી કે વિપક્ષમાંથી આવ્યું છે એટલે ન લેવું એવું ન કરી સ્વીકૃતિ રાખવામાં આવે. પ્રજાના હીત માટે કાયદો છે.
પેપર નથી ફૂટતા આ માણસ અને નીતિ ફૂટે છે - હર્ષ સંઘવી
વધુમાં તેમણે કહ્યું કે કડક કાયદો લાવવો આજના સમયની માગ છે. સમયાંતરે પરીક્ષામાં ફેરફાર લાવવો જરૂરી બન્યો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરાયો છે. વિદ્યાર્થીઓેને અન્યાન ન થાય અને અતિશયોક્તિ ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભરતીના પેપર ફૂટવાના અને ગેરરીતિના કારણે લાખો યુવાનો નિરાશ થાય છે. કેટલાક લેભાગુ અને અસામાજીક તત્વો વિકાસ વિરોધી તત્વો ગેરરીતિ કરે છે. આ પેપર નથી ફુટતા આ માણસ અને નીતિ ફૂટે છે. શોર્ટકટ અપનાવી અને નોકરી લેવા આવું કરે છે.
કડક કાયદો લાવી તેનું અમલીકરણ કરાવવાની જવાબદારી અમારી છે - સંઘવી
પોલીસકર્મી રાત દિવસ મહેનત કરી આરોપીઓને પકડે છે, તેમની સામે ગુન્હો નોંધાય છે પરંતુ પરીક્ષા અંગે કોઈ કાયદો ન હોવાને કારણે તેમને છટકબારી મળે છે. કડક કાયદો બનાવી તેનું અમલીકરણ કરાવવાની જવાબદારી અમારી છે. પેપર ફૂટેલુ એની કોઈ પરીક્ષાર્થીઓએ ફરિયાદ નથી કરી. ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ દુષણખોરો હોય તે રીતે તેમના પર ધ્યાન રાખો.