એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. મતદાતાઓએ કોને વોટ આપવો તે અંગે વિચારી પણ રહ્યા હશે કદાચ.. પરંતુ ગુજરાતની અનેક વિધાનસભા બેઠકોના મતદાતાઓને પેટા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કારણ કે એવી માહિતી સામે આવી છે કે વધુ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. માહિતી અનુસાર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામાની રેસમાં આગળ ચાલી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું
ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ભરતી મેળો ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તે ઉપરાંત આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજીનીતિ શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ કંઈ થઈ રહ્યું છે. ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્ય ગુજરાતના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ સમાચાર મળતા કોંગ્રેસના લૂણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અનેક વખત એવું થયું છે કે પહેલા ધારાસભ્ય ના પાડતા હોય છે પરંતુ તે રાજીનામું આપી દેતા હોય છે. ખેર આ જ તો રાજીનીતિ છે, આજે રાજીનામું આપવાની ના પાડતા હોય છે પરંતુ તે ધારાસભ્ય બીજા દિવસે રાજીનામું આપી દેતા હોય છે.