ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી ચહેરો ગણાતા નારણ રાઠવા, પોતાના પુત્ર તેમજ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. કોંગ્રેસ પાસે એક મુખ્ય આદિવાસી ચહેરો હતો નારણ રાઠવાના રૂપમાં પરંતુ તે પણ હવે ભાજપમાં જતા રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. આદિવાસી વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તે ફરવાની છે તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે નારણ રાઠવા જ્યારે ભાજપમાં જોડાયા તે વખતે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેનાથી કદાચ અડધું ગુજરાત અસહેમત હશે.
પક્ષપલટો કર્યા બાદ બદલાય છે નેતાના સુર!
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. છેલ્લા થોડા સમયમાં ભાજપમાં એટલા ધારાસભ્યો, સાંસદો, કાર્યકર્તાઓ જોડાયા છે જેની કલ્પના કદાચ ભાજપે પોતે નહીં કરી હોય.! આપણી સામે એવા અનેક ઉદાહરણો છે કે સાંજ સુધી ભાજપની નીતિને વખોડતા હતા તે જ ભાજપમાં જોડાયા બાદ ભાજપના વખાણ કરવા લાગે છે. જે પાર્ટીમાં રહી તે ચૂંટાયા હોય છે, સાંસદ સભ્ય બન્યા હોય છે, ધારાસભ્ય બન્યા હોય છે તે જ પાર્ટી તેમને ખરાબ લાગવા લાગે છે. જે પાર્ટી માટે વર્ષો સુધી મહેનત કરી તે જ પાર્ટી માટે ખરાબ રાજનેતાઓ બોલવા લાગે છે પક્ષપલટો કર્યા બાદ.
વિકાસના કામો અટકી ન જાય તે માટે નેતાઓ કરે છે પક્ષપલટો!
મુખ્યત્વે નેતાઓ ભાજપમાં જોડાયા પાછળનું કારણ એ આપતા હોય છે કે બીજા પાર્ટીમાં રહીને જનતા માટે કામ નથી થતાં. લોકોને સુવિધાઓ મળી રહે તે માટે તે પક્ષપલટો કરી રહ્યા છે. પણ ખરેખર એવું હોય છે ખરૂં? શું સાચે મતદાતાઓ માટે રાજનેતાઓ ભાજપમાં જતા હોય છે કે પછી પોતાના કામો કઢાવવા માટે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે સી.આર.પાટીલે જે તર્ક આપ્યો તેના પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..