ગુજરાત પોલીસ પરિવારને આનંદો! ગુજરાત પોલીસ પરિવારે ગ્રેડ-પે અને ભથ્થા મામલે સરકાર સામે મોરચો માંડ્યો હતો તે સફળ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એલઆરડી, હેડકોન્સ્ટેબલ અને પીએસઆઈ જવાનોનો પગાર વધેલા ભથ્થા સાથે આવ્યો છે. ગુજરાત પોલીસ પરિવારે ગુજરાતને દેખાડ્યું છે કે જે લડે છે તે જ જીતે છે.
શું હતી ગુજરાત પોલીસની માગણી?
ગુજરાત પોલીસની જૂની માગણી હતી કે તેમના પગાર ભથ્થામાં અને ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવે. લાંબા સંઘર્ષ બાદ આ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પોલીસની ગ્રેડ-પેની માગણી પર સરકારે અગાઉથી જ સંકેત આપી દીધા હતા કે ગ્રેડ-પેમાં વધારો કરવામાં નહીં આવે. અંતે ગુજરાત સરકારે જે પગાર ભથ્થા વધારાની જાહેરાત કરી હતી તે પોલીસના ખાતામાં આવી ગયો છે.
પોલીસ પરિવાર ગ્રેડ-પે અને ભથ્થાની માગ સાથે જંગે ચઢ્યા હતા
છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ પોતાની માગણીઓ માટે લડી રહ્યું હતું જે આ વિધાનસભા ચૂંટણીમાં પાર પડ્યું છે. વર્ષોની લડાઈ બાદ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ જવાનોની માગણી સ્વીકારી લીધી હતી અને પોલીસને પોતાના હકની લડાઈમાં જીત મળી હતી.