અરવલ્લીના ઈસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI જયદીપસિંહ વાઘેલાને પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ મોડી રાત્રે સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો હતો.
હક માટે આવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી
જાન્યુઆરી મહિનાની વાત છે. પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ-પેના મુદ્દા મામલે ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધરણા પર બેસી હતી. પોલીસે તમામ મહિલાની અટકાયત કરી હતી. આટલો સમય વિત્યા બાદ મહિલાને ઉશ્કેરવા બાબતે ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દીધા હતા.
જમાવટ મીડિયાએ ASI જયદીપસિંહ વાઘેલા સાથે કરી વાત...
જમાવટ મીડિયાએ સમગ્ર મામલે ASI જયદીપસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પોલીસ પરિવાર સાથે શરૂઆતથી જ ખોટું થયું છે. જો કે મહિલાઓને ઉશ્કેરવામાં મારો કોઈ હાથ નથી. હું તેમનું રક્ષણ કરવા ગયો હતો. છતાં પોલીસ વિભાગનો નિર્ણય મને મંજૂર છે. જો કે, જૂની વાત પૂરી થઈ ગઈ છે અને હાલ બાહેંધરી અપાવવાનો મુદ્દો ચાલી રહ્યો છે. પોલીસના કોઈ કર્મચારી બાહેંધરી પત્રક પર સહી કરવા નથી ઈચ્છતા પરંતુ તેઓ ડરના કારણે કરવું પડી રહ્યું છે. મને સસ્પેન્ડ માત્ર દાખલો બેસાડવા માટે કર્યો છે. કે જો કોઈ વિરોધ ઉઠે તો અરવલ્લીના ઈસરીનું ઉદાહરણ દેખાડવા થાય કે જો વિરોધ કરશો તો સસ્પેન્ડ કરી દેવામાં આવે. મારું સસ્પેન્શન પોલીસ કર્મચારીના અવાજ દબાવવા માટે કરાયું છે.
ASI જયદીપસિંહના શબ્દે સમગ્ર ઘટના
જાન્યુઆરી મહિનામાં પોલીસ પરિવારની મહિલાઓ હાથમાં બંધારણનું પુસ્તક લઈ ગ્રેડ-પે આપવા મામલે ગાંધીનગર સેક્ટર-27 ડિએસપી ઓફિસ સામે ધરણા પર ઉતરી હતી. ત્યારે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને 8 વાગ્યા સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે હું ડ્યૂટી પર હતો, ડ્યૂડી પૂરી કરી હું મહિલાઓને મળવા ગયો હતો કારણ કે તેમાં મારા ધર્મ પત્ની પણ હતા. તે સમયે મારા પર મારા ઉપરી અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હતી. જાન્યુઆરી 2022ની 10 તારીખે અમે સંદેશ ન્યૂઝ ચેનલમાં ડીબેટ માટે ગયા હતા. રાત્રીનો સમય હતો એટલા માટે અને કોઈ મહિલાઓને ઉશ્કેરે નહીં એટલે હું મહિલાઓ સાથે ગયો હતો. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને મારા પર ગેરશિસ્તની કાર્યવાહી કરવામાં અને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ હું કોઈને ભડકાવવા નહોતો ગયો હું માત્ર મહિલાઓ હતી એટલા માટે તેમની સાથે કોઈ દુર્વ્યવહાર ના થાય એટલા માટે ગયો હતો. મારા પર કાર્યવાહી થઈ તે અયોગ્ય છે પરંતુ હું તેનું સન્માન કરું છું