છેલ્લા થોડા દિવસોથી ટીઆરબી જવાન અંગે ચર્ચા થઈ રહી છે. ટીઆરબી જવાનની હકારપટ્ટી કરવાની જાહેરાત કરાયા બાદ ટીઆરબી જવાનો વિરોધ કરી રહ્યા છે. તોડકાંડ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો લોકો સાથે તોડ કરતા હોય તેવા કિસ્સા બહાર આવતા એસીબી એક્ટિવ થઈ છે. આવા કિસ્સાઓ સામે આવતા લોકો માટે જનહિતામાં એક પોસ્ટ કરવામાં આવી છે. ટીઆરબી જવાન, ટ્રાફિક પોલીસ અને પોલીસ વચ્ચે શું તફાવત છે તેની જાણકારી આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. કોની પાસે કયા અધિકાર છે તેની જાણ થાય તે માટે માહિતી આપવામાં આવી છે. કયા જવાનના કેવો યુનિફોર્મ હોય, તેમની પાસે શું સત્તા હોય વગેરેની માહિતી આપવામાં આવી છે.
જમાવટે જ્યારે આઈપીએસ સફીન હસન સાથે કરી હતી વાત
થોડા સમય પહેલા દિલ્હીથી અમદાવાદ મેચ જોવા આવેલા એક વ્યક્તિને કડવો અનુભવ થયો હતો. યુવક પાસેથી ટ્રાફિક પોલીસે 20 હજાર રુપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી હતી. સમાચાર આવ્યા બાદ સસ્પેન્ડ કરી કાર્યવાહી પણ કરવામાં આવી. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમની સાથે આવા બનાવો બન્યા હશે. અનેક લોકોએ દંડ ન ભરવો પડે તે માટે સેટિંગ પણ કર્યું હશે. ખેર એ વાત નથી કરવી. જમાવટે જ્યારે આઈપીએસ સફીન હસન સાથે ઈન્ટરવ્યું કર્યો હતો ત્યારે તેમણે આ વિષય પર વાત કરી હતી. તેમનો કહેવાનો તાત્પર્ય એ હતો કે લોકોને કાયદાની ખબર નથી હોતી તેને કારણે લોકોના ડરનો પોલીસ ફાયદો ઉઠાવતા હોય છે.
શું છે ટીઆરબી જવાનની ફરજ અને કામગીરી?
આ બધા વચ્ચે ગુજરાત પોલીસે લોકોને ટીઆરબી જવાનની કામગીરી શું છે તેમની ફરજ શું છે તે અંગેની પોસ્ટ શેર કરી છે. ટીઆરબી જવાનની કામગીરી અને ફરજની વાત કરીએ તો ટીઆરબી જવાનોને પોલીસની સહાયતામાં રહીને કાર્ય કરવાનું હોય છે. ટીઆરબી જવાનનું કામ માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
મેમો ફાડવાનો ટીઆરબી જવાનને નથી અધિકાર
ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં તેઓ વાહન ચેકિંગ કરીને કે દસ્તાવેજ તપાસીને મેમો ફાડીને દંડ કરી શકતા નથી. ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈપણ વ્યક્તિને તેમની સાથે મદદમાં રાખી શકતા નથી. જો કોઈ ટીઆરબી જવાનની ગેરવર્તણૂક જણાય તો શહેરની ટ્રાફિક શાખામાં તેની ફરિયાદ કરી શકાય છે. તે ઉપરાંત ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલ પર બીજી એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં યુનિફોર્મને લઈ જાણકારી આપવામાં આવી છે.