થોડા દિવસો બાદ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા દરમિયાન મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે ચાર બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.. ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગે છે. જે ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તેમાં અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા છે. કોંગ્રેસ ઉમેદવાર ક્યારે જાહેર કરશે તેની પર સૌની નજર રહેલી છે તો આ બધા વચ્ચે ભાજપના ઉમેદવારો આવનાર દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરશે તેવી વાત સામે આવી છે....
ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી કર્યા જાહેર
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેવદાર ઉતાર્યા છે. ભાજપે ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારના નામની જાહેરાત થતા અનેક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થયો હતો. બે બેઠકો પર ઉમેદવાર બદલ્યા છે પરંતુ તો પણ અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવારો ક્યારે ઉમેદવારી ફોર્મ ભરશે તેની માહિતી સામે આવી છે....
કોણ ક્યારે ભરશે ઉમેદવારી ફોર્મ?
મળતી માહિતી અનુસાર પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા 15 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ પણ 15 એપ્રિલે ફોર્મ ભરશે ઉપરાંત સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તેમજ વલસાડથી ધવલ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલના ઉમેદવાર જયદિપસિંહ પરમાર પણ આ તારીખે ફોર્મ ભરશે... જ્યારે 16 એપ્રિલે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જેમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવાર નોંધાવશે.
તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 16 તારીખે નામાંકન કરશે... તે ઉપરાંત જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે નામાંકન નોંધાવશે.
અમિત શાહ આ તારીખે દાખલ કરાવી શકે છે નામાંકન
તે સિવાય નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલ, અમરેલીના ઉમેદવાર ભરત સુતરીયા અને જામનગરના ઉમેદવાર પુનમ માડમ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. જ્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રહેશે. મહત્વનું છે કે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા માટે જશે તેની પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે... પ્રચંડ રોડશોનું આયોજન પણ કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે.