ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે દુર્ઘટના સર્જાઈ છે. એક દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે અને બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી.
બે જગ્યાઓ પર સર્જાઈ દુર્ઘટના
રવિવારે આવી જ એક બીજી દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે. જેમાં સ્લેબ તૂટી પડતા અનેક લોકો તે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાની થયા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ઘટના તો સર્જાઈ છે.
ટ્વિટર પર ટ્રેન્ડ થયું ગુજરાત મોડલ
ગુજરાતને વિકાસનું મોડલ ગણવામાં આવે છે. દેશભરમાં ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં ગુજરાતના મોડલને ઉદાહરણ તરીકે બતાવવામાં આવે છે. ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક વસ્તુ ટ્રેન્ડ થતી હોય છે. ત્યારે આ બે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. અનેક લોકોએ ગુજરાત મોડલને લઈ ટ્વિટ કરી છે જેમાં અલગ અલગ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
અનેક વખત નિર્માણ પામી રહેલા પુલો બને છે દુર્ઘટનાનો શિકાર
મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી થતી આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના જીવ ગયા છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. ગુજરાતના અનેક બ્રિજો એવા છે જેમની સ્થિતિ અત્યંત દયનીય છે. અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં દેખાય છે. રસ્તા પર ખાડાઓ પડેલા દેખાય છે. નવનિર્મીત બ્રીજો પણ અનેક વખત ધરાશાયી થતા હોવાના સમાચાર મળતા હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર હાલ ગુજરાત મોડલ ટ્રેન્ડ થઈ રહ્યું છે.