ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી મેદાનમાં તો ઉતરેલા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો ક્રિકેટ મેચના મેદાનમાં ક્રિકેટ મેચ રમવા ઉતરવાના છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે મેચ યોજાવાની છે. જેને નામ આપવામાં આવ્યું છે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23. મળતી માહિતી અનુસાર 20 માર્ચ,27 માર્ચ અને 28 માર્ચના રોજ મેચ રમાવાની છે.
કોબા ખાતે આવેલા સ્ટેડિયમમાં યોજાશે મેચ
આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ થઈ રહી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બનતી હોય. ધુળેટીની ઉજવણી વિધાનસભામાં પ્રથમ વખત થઈ હતી ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. 20,27 અને 28 માર્ચે ક્રિકેટ મેચનું આયોજન થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. કોબા ખાતે આવેલા ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે.
28 માર્ચે યોજાશે ફાઈનલ મેચ
ક્રિકેટ મેચનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટીમોની વાત કરીએ તો તેમાં 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે. બનાસ, વિશ્વામિત્રી, તાપી, ભાદર. સરસ્વતી, ક્ષેત્રુંજી, સાબરમતી, નર્મદા,મહીસાગર અને મીડિયા ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ 20 માર્ચે યોજાવાનો છે. સાંજે 7 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થવાનો છે. 28 તારીખે ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા ધારાસભ્યો કેટલા ચોગ્ગા-છગ્ગા મારશે.