ગુજરાતને ભારતીય જનતા પાર્ટી માટે પ્રયોગશાળા માનવામાં આવે છે.. આ રાજ્યમાં કરવામાં આવતા પ્રયોગો અહીંયા સફળ જાય તે બાદ બીજે બધે એપ્લાય કરવામાં આવે છે.. આ વખતે ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક રાખ્યો હતો 26એ 26 બેઠકો મળશે અને પાંચ લાખની લીડ સાથે. અનેક વખત આ નિવેદન ભાજપના નેતાઓના મોઢે સાંભળ્યું હશે. ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠક ભાજપ જીતી ના શકી. એક બેઠકની હારનો વસવસો સી.આર.પાટીલે વ્યક્ત કર્યો હતો.
ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ
આ વખતની લોકસભા ચૂંટણી એકદમ રસપ્રદ હતી. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર રહેતી હોય છે. આ વખતની ચૂંટણીમાં લાગતું હતું કે ભાજપ 26માં 26 બેઠકો નહીં જીતી શકે.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ જોવા મળી હતી. અનેક બેઠકો માટે ચર્ચા થતી હતી કે આ બેઠક ભાજપના હાથમાંથી જાય છે. વાત સાચી પણ પડી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપને જીત ના મળી. ગેનીબેન ઠાકોર ત્યાં જીતી ગયા.
વિધાનસભાની ચૂંટણી બાદ કહી હતી આ વાત
26માંથી 26 બેઠકો લાવી ભારતીય જનતા પાર્ટી હેટ્રીક ના બનાવી શકી. વિધાનસભાની ચુંટણીના પરિણામ બાદ આપણે સી આર પાટીલને અનેક વાર એવું કહેતા સાંભળ્યા છે કે 182 ના જીતી શક્યા એનો વસવસો છે. આ વખતે લોકસભાની ચુંટણીના પરિણામ બાદ "ગુજરાતમાં 26 બેઠકની હેટ્રિક તૂટી એ મારી જ જવાબદારી" સી.આર.પાટીલે પહેલી વાર આ કહેતા દેખાયા..
શું કહ્યું સી.આર.પાટીલે?
સી.આર.પાટીલને કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનાવાયા છે. જળ શક્તિ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીની સાથે સાથે તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ છે. કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે ભાષણ દરમિયાન કહ્યું હતું કે એક બેઠક 30 હજાર મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે. કયાંક કચાશ રહી ગઈ હશે. તે પછી પાટીલે માફી માગી હતી.ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1.83 લાખ મત મળ્યા છે. જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે.
હાલ સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતા ઓછી
જોકે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સી.આર.પાટીલ પાસે જ રહેશે. સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નવી નિમણુક નહીં થાય. એટલે જે વાત હતી કે સંગઠનમાં ફેરફાર થશે તેના એંધાણ દેખાતા નથી! ત્યારે સી.આર.પાટીલના નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..