ગુજરાતમાં થોડા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મુખ્યત્વે અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. દેશના અનેક રાજ્યો છે જ્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી જે વરસાદ લઈને આવે. 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. એવું મનાય છે રાજસ્થાનથી પહેલા ચોમાસુ વિદાય લે છે તે બાદ બીજા રાજ્યોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે.
અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ
સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ધબધબાટી બોલાવી હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે જગતનો તાતે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ચોમાસુ વિદાય તરફ છે. જતા જતા અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે.
વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આ આગાહી
28 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢ, ભાવનગર, ભરૂચ,નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. તે સિવાય 29 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. .
અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસ્યો
હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરને રોજ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં 24 કલાક દરમિયાન ક્યાં વરસાદ વરસ્યો તે અંગેની માહિતી આપવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નર્મદા, અમરેલી, જૂનાગઢ, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં નોંધાયો છે.એકદમ હળવો વરસાદ કચ્છ, રાજકોટ, ખેડા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસ્યો હતો. જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, મોરબી સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નથી વરસ્યો.
વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને વાવાઝોડું આવવાની સંભાવના છે. બંગાળ ઉપસાગરમાં 30મી સપ્ટેમ્બરે લો પ્રેસર સર્જાશે જે ગુજરાતમાં વરસાદને લઈને આવશે. મ્યાનમારના માર્ગે પૂર્વી ભારત તરફ આગળ વધશે. 7મી ઓક્ટોબર બાદ જે સિસ્ટમ સક્રિય થવાની છે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.