મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરનાર જસ્ટિસ એચએચ વર્મા સહિત ગુજરાતના 68 જજોની બઢતીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જસ્ટિસ એમઆર શાહની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચ 8મી મેના રોજ પ્રમોશનને પડકારતી અરજી પર સુનાવણી કરશે.
68 જજોને 65 ટકા ક્વોટા સિસ્ટમના આધારે પ્રમોશન
ગુજરાત સરકારે આ 68 જજોને 65 ટકા ક્વોટા સિસ્ટમના આધારે પ્રમોશન આપ્યું છે. આ પછી, આ ન્યાયાધીશોને નવી જગ્યાઓ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ બઢતી પામેલા જજો હાલમાં ગુજરાત જ્યુડિશિયલ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. દરમિયાન પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા આ મામલે નવો વળાંક લીધો છે.
પ્રમોશન રદ કરવાની માંગ
ગુજરાતના 68 ન્યાયાધીશોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા પડકારવામાં આવ્યું છે. તેમની અરજીમાં તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચે બહાર પાડવામાં આવેલી બઢતીની યાદીને રદ કરવા અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નિમણૂકની સૂચનાને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ગુજરાત હાઈકોર્ટ મેરિટ અને સિનિયોરિટીના આધારે ન્યાયિક અધિકારીઓની નવી યાદી તૈયાર કરે.