સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ કડકડતી ઠંડી યથાવત જોવા મળશે. નલિયમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થોડા દિવસો બાદ ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ શકે છે.
હિમવર્ષાને કારણે ગુજરાતમાં જોવા મળી અસર
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છએ. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સુસવાટા પવન વહેવાની આગાહી પણ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગગડી શકે છે પારો
અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.ગાંધીનગરમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે બનાસકાંઠામાં 9 ડિગ્રી, રાજકોટમાં પણ 10 ડિગ્રી, અમરેલીમાં 9.6, પોરબંદરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આગામી દિવસોમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે.