ગુજરાતમાં ચૂંટણી અગાઉ અનેક લોકોએ પોતાની માગણીઓનો વરસાદ કર્યો હોય તેવામાં વધુ એક સંગઠન પણ પોતાની માગણી સાથે સરકાર સામે પડ્યું છે. 17 હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ
ગત ઘણા દિવસોથી સસ્તા અનાજના દુકાનદારો મુખ્યમંત્રીને પોતાની માગણીઓ સંતોષવા પત્ર લખી રહ્યા છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ ન આવતા દુકાનદારોએ આંદોલન કર્યું છે. પોતાની જૂની માગો સાથે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. થોડા દિવસો અગાઉ ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન અને કેરોસીન હોલ્ડર શૉપ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જૂની માગણીઓ સંતોષવા મામલે જાણ કરી હતી
શું દિવાળી પર રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે?
ગુજરાતના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો દિવાળીના તહેવારોમાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરે.
થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે નિર્ણય લઈ જાહેરાત કરી હતી કે સસ્તા અનાજનું અનાજ વિતરણ વધુ ત્રણ મહિના માટે 80 કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતથી સમાચાર મળી રહ્યા છે કે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવી અસંતોષ લોકોની લાગણીઓ અને માગણીઓને પોતાની રીતે થાય એટલી વાચા આપી રહી છે ત્યારે હવે સરકાર જો આ દુકાનદારોનું નહીં સાંભળે તો ગુજરાતીઓને દિવાળીમાં રાશન નહીં મળે તેવી દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે.