રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જોઈએ એવી ઠંડી પડી ન હતી પરંતુ હવે લાગે છે કે જાણે શિયાળાની મોસમ જામી છે. દેશના અનેક રાજ્યોમાં શિતવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના વાતાવરણ પર અસર તેની દેખાઈ રહી છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવા લોકો મજબૂર બન્યા છે. વહેલી સવારે ઉઠાવાનું મન નથી થતું. એમ પણ શિયાળામાં ઉંઘવાની મજા જ કંઈ અલગ હોય છે. ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.2 ડિગ્રી, ગાંધીવગરનું તાપમાન 12.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 16.2 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 15.2 જ્યારે દ્વારકાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 15.9 નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે.
આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ
એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આવનાર દિવસોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.