IAS નીતિન સાંગવાન પર સાબરકાંઠામાં હુમલો, 12 લોકો સામે નોંધાઈ FIR, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:47:55

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટના નિયામક અને IAS અધિકારી નીતિન સાંગવાન પ્રોજેક્ટમાં ગેરરીતિઓની આશંકાને પગલે તપાસ કરવા માટે ગયા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માછીમારીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં લોકોના જૂથ દ્વારા તેમનું અપહરણ કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સહિત 12ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે.  પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે સાબરકાંઠા ડીએસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું છે કે આરોપીઓને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.


મામલો શું હતો?


ફિશિંગ કમિશનર નીતિન સાંગવાન ત્રણ દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે સાબરકાંઠા અને મહેસાણાના સરહદે આવેલા ધરોઈ જળાશય પર વિઝીટ કરવા માટે આવ્યા હતા. અહીં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ વાતની જાણ થઈ હતી. જેથી નીતિન સાંગવાનની વિઝીટ દરમિયાન ગેરરીતીને લઈને પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની બીકે બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈને કમિશનરના ઘૂંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી.


નીતિન સાંગવાનને બંધક બનાવવામાં આવ્યા


બાબુ પરમારે 10થી 12 અન્ય માણસોને બોલાવ્યા હતા તેમણે આઈએએસ અધિકારીને માર માર્યો હતો. લાકડીઓ સાથે સશસ્ત્ર ઘટનાસ્થળે આવેલા આ લોકોએ સાંગવાન અને તેમની ટીમને તેઓ ફરિયાદ નહીં કરે તેવું લખાણ લખી ન આપે ત્યાં સુધી બંધક બનાવી રાખ્યા હતા. આરોપીઓએ ફિશિંગ અધિકારી અને કર્મચારીઓને કહેલું કે, 'તમારે જીવતા બહાર જવું હોય તો લખાણ લખી આપો કે, "આજરોજ મેં ક્રેઝની મુલાકાત લીધી છે અને મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થયેલી અને બાબુભાઈને મુક્કા મારેલા તે બાબતે સમાધાન થઇ ગયું છે, જેથી હું પોલીસમાં ફરિયાદ કરીશ નહીં" તેવું લખાણ લખી આપવાનું કહ્યું હતું. આ માથાભારે લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી.


મહામુસીબતે છુટકારો


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આરોપીઓની ચૂંગાલમાંથી જેમતેમ કરીને છુટકારો મેળવ્યો હતો. કેદમાંથી છુટ્યા બાદ તેમણે 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં કમિશનર સાથે આવેલા અધિકારીઓને ભયમાં મુકવા માટે, કમિશનર અને સાથે આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી ફરજમાં રુકાવટ કરી સરકારી અધિકારીઓ પર હુમલો કરવાને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં ફિશિંગ અધિકારી દિનેશ નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.


3 આરોપીઓની ધરપકડ


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે ખેડબ્રહ્માના કંથાપુરના બાબુ પરમાર, દિલીપ પરમાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણના રાજુ ગમાર, નિલેષ ગમાર, રાહુલ અને બીજા 10થી 12 જણાના ટોળા સામે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ વડાલી પોલીસ એક્શનમાં આવી હતી, પોલીસે બનાસકાંઠાના દાંતાના નિલેષ ગમાર, વિષ્ણુ ગમાર અને ખેડબ્રહ્માના કંથાપુરના દિલીપ પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?