સામાજીક કાર્યકર અને ગુજરાત રમખાણોમાં પીએમ નરેન્દ્ર મોદીને ફસાવવાના આરોપનો સામનો કરી રહેલી તિસ્તા સેતલવાડને લઈ ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટ કહ્યું છે કે તિસ્તા સેતલવાડને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. વર્ષ 2005માં ગોધરા હિંસા બાદ મહીસાગર જિલ્લાના પાંડરવાડા નજીક ક્બ્રસ્તાનમાં કબરો ખોદીને 28 શબો બહાર કાઢવાના કેસમાં તિસ્તા સેતલવાડનું નામ આવ્યું છે. કોર્ટે આ અંગે રાજનૈતિક ઉત્પિડનની દલીલને ફગાવી દીધી અને આવું તો આજકાલ બધા જ બોલે છે. આ કેસની સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ડિસેમ્બર 2005માં ગોધરા હિંસા પછી મહીસાગર જિલ્લાના પાંડરવાડા નજીક પાંડરવાડા નજીક ક્બ્રસ્તાનમાંથી કબરો ખોદવા અને 28 મૃતદેહો કાઢવાના કેસમાં સેતલવાડનું નામ સામે આવ્યું છે. 2011માં નોંધાયેલી FIRમાં તેમનું નામ સામેલ થયા બાદ સેતલવાડે 2017માં કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2006માં ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ખોટા પુરાવાઓ બનાવવા, પુરાવાનો નાશ કરવા, કબ્રસ્તાનમાં અતિક્રમણ કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર FIR દાખલ કરી હતી. સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટે સેતલવાડના વકીલ યોગેશ રાવણીને કહ્યું કે રેકોર્ડ જોયા પછી હું રાહત આપવાના મૂડમાં નથી. તમારે તમારા જવાબથી (કોર્ટને) સંતુષ્ટ કરવી પડશે.
રમખાણ પીડિતોના આક્ષેપો બાદ કાર્યવાહી
ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે સ્થળને કબ્રસ્તાન તરીકે યોગ્ય રીતે સૂચિત કર્યા પછી જ દફનવિધિ કરવામાં આવી હતી. રઈસ ખાન અને સેતલવાડ અલગ થયા બાદ ખાનના નિવેદનના આધારે સેતલવાડનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. ખાને જણાવ્યું હતું કે મૃતદેહોને કાઢવાનું કામ તેમના આદેશ પર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે લુણાવાડા નગરપાલિકાએ સેતલવાડ સ્થિત NGO સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પૂર્વ સંયોજક રઈસ ખાન સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રમખાણ પીડિતોના આક્ષેપો બાદ એમના સંબંધીઓએ શબપરીક્ષણ માટેની પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસર્યા વિના દફનાવવામાં આવ્યા હોવાના આરોપો મૂક્યા હતા. જે અંતર્ગત હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.