રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ગળા સુધી આવી ગયા છે. જો કે વહીવટી તંત્ર આ બાબતે સદંતર મૌન છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતાં ઢોરોના ત્રાસ અંગે કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. આ તકે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો મામલો નિયંત્રણ બહારનો થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ. સરકારે મોટા શહેરો સહિત રાજ્યભરમાં નક્કર પગલાં ભરવા જોઈએ, આ સમસ્યા ઉકેલવા માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ.
શું કહ્યું ગુજરાત હાઈકોર્ટે?
ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોરો મુદ્દે સરકારી કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતાં પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે. હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે ટકોર કરતા કહ્યું, 'ઢોરનો ઉપદ્રવ કાબૂ બહાર છતાં તંત્ર ઊંઘમાં છે.' રખડતા ઢોરોના મુદ્દે સરકારે આગામી સુનાવણી 9 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટે 9 જાન્યુઆરી સુધીમાં સરકારને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.