ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા 12 વર્ષીય સગીરાના લગભગ 27 સપ્તાહના ગર્ભાવસ્થાના ગર્ભપાતની મંજૂરી આપી છે. આ સગીરા પર તેના જ પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. ન્યાયમૂર્તિ સમીર દવેએ વડોદરા સ્થિત સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટને ધ્યાનમાં રાખ્યો હતો. મેડિકલ સુપ્રીટેન્ડન્ટએ 4 સપ્ટેમ્બરના રોજ તબીબોની એક પેનલ દ્વારા પિડીતાની મેડિકલ તપાસનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની ગર્ભપાત માટે અરજન્ટ પિટિશન કરાઈ હતી. જેની વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા પીડિતાના ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
પીડિતાને 2.5 લાખનું વળતર ચૂકવવા આદેશ
હાઈકોર્ટે રાજ્ય સરકારને પીડિતાને રૂ. 2.5 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતો, જેમાંથી રૂ. 50,000 તાત્કાલિક ચૂકવવાના હતા અને રૂ. 2 લાખ તેના નામે જમા કરાવવાના હતા અને જ્યાં સુધી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ન મળે ત્યાં સુધી સગીરાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે તેમ પણ કહ્યું કે જ્યારે પીડિતા 21 વર્ષની થાય ત્યારે તેને ડિપોઝીટની રકમ આપવામાં આવે. હાઈકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું હતું કે ટ્રાયલ પૂર્ણ થવા પર પીડિતને આપવામાં આવનાર વળતરને ટ્રાયલ કોર્ટ દ્વારા કલમ 357 CrPC હેઠળ સ્વતંત્ર રીતે ધ્યાનમાં લેવું જોઈએ. હાઈકોર્ટે હોસ્પિટલને અરજદારની વિનંતી મુજબ ભ્રૂણના ડીએનએને સાચવવાની કાળજી લેવાનો પણ હુકમ આપ્યો હતો. હાઈકોર્ટે ડેડિયાપાડાના સંબંધિત પોલીસ સ્ટેશનને પણ પીડિતાને ગર્ભાપાત માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સગા પિતાએ પુત્રીને બનાવી હતી ગર્ભવતી
નર્મદા જિલ્લાની ડેડિયાપાડા પોલીસ દ્વારા પીડિતાના પિતાની બળાત્કાર અને ગર્ભાધાનના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યાના બે દિવસ પછી, છોકરીની માતાએ તેની પુત્રીના ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજદારના વકીલે આ મામલે તાકીદે સુનાવણીની માંગ કરતા કહ્યું હતું કે પીડિતાની માતાએ 2 સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે સગા પિતા દ્વારા 11 વર્ષ અને 9 મહિનાની દીકરી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને તેને ગર્ભવતી બનાવવામાં આવી હતી.
સમગ્ર કેસની વિગત જોઇએ તો પીડિતાની માતા દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ બનાવ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પીડિતા પર તેના જ સગા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિતાને 27 સપ્તાહનો ગર્ભ છે. આ કેસમાં પીડિતાની માનસિક, શારિરીક અને સામાજિક પીડા અને વેદનાને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એકટ-1971ની જોગવાઇઓ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી આપવી જોઇએ. અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજન્ટ પીડિતાની મેડિકલ તપાસ કરી તા.6 સપ્ટેમ્બરે તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો.