ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથધરી હતી. આજે ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. તીસ્તા બાદ હવે આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે હંગામી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે, આર.બી. શ્રીકુમારને આ જામીન કાયમી નહીં પણ હંગામી જામીન છે. પોતાની પર ખોટો કેસ થયો હોવાની આર બી શ્રીકુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાતને બદનામ કરવાનો આરોપ
આજે ગુજરાત હાઇકોર્ટમાં 2002 રમખાણોના કેસમાં ગુજરાતને બદનામ કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારની જામીન અરજી પર સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન તીસ્તાએ રજૂઆત કરી હતી કે તેના વિરુદ્ધ SITએ દાખલ કરેલી ચાર્જશીટની નકલ મળી નથી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવે.
વય અને નાદુરસ્ત તબિયતનો હવાલો આપી જામીનની માંગ
બીજી બાજુ આ કેસમાં SIT દ્વારા ચાર્જશીટ ફાઈલ થઇ ગઈ હોવાથી આર.બી.શ્રીકુમારે જામીન અરજી પરત ખેંચી હતી અને ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણ પર હંગામી જામીનની માંગ કરી હતી. આથી હાઈકોર્ટે આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે ચાર્જશીટ બાદ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી છે.