ગીર સોમનાથનાં વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડો. અતુલ ચગના પરિવારજનોએ કરેલી કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો છે.
27 માર્ચ સુધીમાં જવાબ આપો
ગુજરાત હાઈકોર્ટે હાઇકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા તથા PI સુનિલ ઈશરાનીને નોટિસ ફટકારી છે. આ પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યું કરી 27 માર્ચ સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પોલીસે પાલન ન કર્યાની દલીલ કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 28 માર્ચના રોજ થશે.
ભાજપના MP રાજેશ ચુડાસમાનું નામ ખુલ્યું
ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આપઘાત કર્યો હતો, તેમની આત્મહત્યા બાદ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આત્મહત્યા માટે ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા હતા. મૃતકના પરિવારજનો આ બંને સામે FIRની માંગ કરી રહ્યા છે. ચગના પરિવારના વકીલ ચિરાગ કક્કડે કહ્યું કે ડો.ચગે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રીમ કોર્ટના સુચન મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ લેવાની હોય છે.