ગુજરાતના ગીર અભ્યારણમાં આવેલા એશિયાટિક સિંહો વિશ્વ વિખ્યાત છે. જો કે હવે આ અભ્યારણ્યમાં વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. ગીર અભ્યારણમાં આવેલા સિંહો સહિતના અન્ય વન્યજીવોના રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં વન્યજીવોનું રક્ષણ યોગ્ય રીતે ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ અરજદારે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધારે વોલ્ટની વીજળી ન આપવા અને જંગલ વિસ્તારમાં સિંહની થતી પજવણી રોકવાની પણ માગ કરી છે.
ગીરના અભ્યારણમાં કોમર્શિયલ બાંધકામને રોકો
ગીરના અભ્યારણના સિંહોએ આપણી ગુજરાતની ઓળખ સમાન છે. જો કે તેમ છતાં પણ વન્યજીવો તેમજ સિંહનું યોગ્ય રીતે રક્ષણ થતું નથી તે બાબતે અમારે દ્વારા હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ખૂબ જ થઈ રહ્યું છે. જેના કારણે સિંહ સહિતના અન્ય જીવો પણ પ્રભાવિત થઈ રહ્યા છે.
વીજ લાઈન વન્યજીવોની સુરક્ષા માટે જોખમી
અરજીકર્તાએ વન્યજીવોની સુરક્ષા માટે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધુ પડતી વીજળીના વોલ્ટ આપવામાં ના આવે એવી પણ અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં જે પણ વીજળી પસાર થઈ રહી છે તેની વીજ લાઈનમાં નિયત કરતાં વધુ વોલ્ટેજ પસાર કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચી શકે છે.
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માગ
અરજદાર દ્વારા તેમની અરજીમાં વન્યજીવોના સંરક્ષણ માટે નવા કાયદા બનાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. વર્ષ 1960 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટના જે નિયમો છે તેને બદલવા જોઈએ તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 27 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે નવા સૂચનો થઈ શકે છે.