રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા સળગતો મુદ્દો બની ગયો છે, માથાના દુખાવા સમાન આ સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટે પણ આકરૂ વલણ લીધું છે. રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત થાય છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. હાઈકોર્ટે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટે સરકાર પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાને ઝાટકણી કાઢી છે.
રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવો: HC
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે. ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તેમજ બનાવેલા પ્લાનનો અમલ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338 અને 188 હેઠળ ગુનો નોંધવાનો હાઇકોર્ટે હુકમ આપ્યો છે. હાઈકોર્ટે રાજ્યના DGPને પણ આ પ્રકારના નિર્દેશો જારી કરવા માટે તમામ જીલ્લા પોલીસ વડાઓની મીટીંગ બોલાવી નિર્ણય લેવા માટે હુકમ કર્યો
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફિટકાર
છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આદેશ આપ્યા છે. કોર્ટે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ કેટલાક આકરા હુકમ પણ કર્યા હતા.