ગુજરાતના 68 જજોની બઢતી પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હાઈકોર્ટે નવી યાદી બહાર પાડી છે. જેમાં હાઈકોર્ટે 68 જજોની પ્રમોશન લિસ્ટમાંથી 40 જજોને હટાવીને તેમના જૂના પદ પર પાછા મોકલી દીધા છે. આ સિવાય હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રમોશન માટે લાયક ગણાતા બાકીના 28 જજોની અલગ યાદી બહાર પાડી છે. તેમને આમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. પ્રમોશન પ્રક્રિયા વિવાદમાં આવ્યા બાદ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફરી 40 જજોના નામની પસંદગી કરવામાં આવશે.
જજ હરીશ વર્માનું પ્રમોશન યથાવત
મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનાર જજ એચએચ વર્માના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર થઈ નથી. વર્મા સહિત 27 અન્ય ન્યાયાધીશોની પદોન્નતિ યથાવત રાખવામાં આવી છે કારણ કે તે બધાએ લેખિત પરીક્ષામાં 124 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. વર્માએ લેખિત પરીક્ષામાં 127 માર્ક્સ મેળવ્યા હતા. અગાઉની યાદીમાં એચ.એચ.વર્માને બઢતી આપી રાજકોટ મોકલવામાં આવ્યા હતા. નવી યાદીમાં પણ જજ એચએચ વર્માનું પોસ્ટીંગ રાજકોટમાં રાખવામાં આવ્યું છે. તેઓ ત્યાં એડિશન ડિસ્ટ્રિક્ટ અને એડિશન સેશન્સ જજ તરીકે કામ કરશે.
હાઈકોર્ટની કાર્યવાહી પર ઉઠ્યા હતા સવાલ
ગુજરાત હાઈકોર્ટે સિનિયોરિટી-કમ-મેરિટ સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્ક્સ ઉમેરીને બઢતી યાદી તૈયાર કરી હતી. સુપ્રીમ કોર્ટ બાદ મેરિટ-સિનિયોરીટી અને પરીક્ષાના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. આ સ્થિતીમાં જે જ્યુડિશિયલ અધિકારીને 124થી વધુ માર્ક્સ મળ્યા બાદ પણ યાદીમાં સ્થાન મળ્યું હતું. તેઓ બધા યાદીની બહાર થઈ જશે. એક અનુમાન મુજબ આ નિર્ણયથી લગભગ 40 જજોના પ્રમોશનને અસર થશે. વર્તમાન યાદીમાં માત્ર 28 નામ જ આગળની યાદીમાં રહી શકશે. સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જે પ્રકારની કડક ટિપ્પણી કરી છે. તેણે ગુજરાત હાઈકોર્ટની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારે હાઈકોર્ટના પ્રમોશન લિસ્ટ અને સરકારના નોટિફિકેશન બંનેને ખોટા ગણાવ્યા હતા.
રાજ્યના ન્યાયતંત્ર પર અસર થશે
ગુજરાતના 68 ન્યાયાધીશોની બઢતી પર સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેની અસર રાજ્યના ન્યાયતંત્ર પર પડશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલી બઢતી યાદીમાંથી 40 જજોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ગુજરાત હાઈકોર્ટે 65 ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત સાથે પરીક્ષાના માર્ક્સને ધ્યાનમાં રાખીને નવી યાદી બનાવવી પડશે.