રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય છે ત્યારે અનેક સમસ્યાનો સામનો તેને કરવો પડતો હોય છે. ખરાબ રસ્તાની સમસ્યાથી તો આપણે પરિચિત છીએ. ખરાબ રસ્તા પરથી પસાર થતી વખતે વિકાસશીલ ગુજરાત માટે કહેવાતા અનેક વાક્યો આપણને યાદ આવતા હશે. ખાડા પરથી વાહન જ્યારે પસાર થાય ત્યારે વાહનને તો નુકસાન પહોંચે છે ઉપરાંત વાહનચાલકના શરીરને પણ વધારે તકલીફ પડે છે. આ તો થઈ ખરાબ રસ્તાની વાત પરંતુ રસ્તા પર માત્ર ખાડા જ સમસ્યા નથી રખડતા ઢોર પણ એક સમસ્યા જ છે.
હાઈકોર્ટે ફરી એક વખત રખડતા ઢોર મુદ્દે સરકારની ઝાટકણી કાઢી
અનેક વખત રાહદારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે રખડતા ઢોર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે પરંતુ તે કાર્યવાહી માત્ર કાગળ પર જ છે તે આપણે જાણીએ છીએ. રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે તેમજ કોર્પોરેશને શું કામગીરી કરી છે તેનો જવાબ માગ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ સરકાર તેમજ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી નીતિની અમલવારી નથી થતી તેને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જો નીતિની અમલવારી રાજ્યભરમાં ના થઈ શક્તી હોય તો તે માટે જવાબદાર અધિકારીઓ કોણ છે જેથી દંડાત્મક પગલા લઈ શકાય. કોર્પોરેશનની નીતિની અમલવારી કે હાઈકોર્ટના ચુકાદાઓનું પાલન કેમ નથી થઈ રહ્યું તેની પાછળ જવાબદાર અધિકારીઓના નામ આપવા માટે હાઈકોર્ટે જણાવ્યું છે.
તંત્રના વાંકે નિર્દોષ લોકોને ભોગવવાનો આવે છે વારો - હાઈકોર્ટ
રાજ્યમાં દરરોજ અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે. અનેક લોકોના મોત રખડતા ઢોરને કારણે થયા છે અથવા તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે ઉપરાંત ખરાબ રસ્તાની કામગીરી પર તો પ્રશ્ન ઉઠે છે. ખરાબ રસ્તાને કારણે પણ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખતે સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા છે, સરકારની ઝાટકણી કાઢી છે. રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી થાય તે માટે હાઈકોર્ટે અનેક વખત નિર્દેષ કર્યા છે.
પોતાની કામગીરીમાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે - ગુજરાત હાઈકોર્ટ
ખરાબ રસ્તાથી તો લોકોને મુક્તિ નથી મળી પરંતુ રખડતા ઢોરનો સામનો લોકોને કરવો પડે છે. હાઈકોર્ટના જજોએ પણ જણાવ્યું કે તંત્રના વાંકે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. સરકાર તેમજ કોર્પોરેશન પોતાની કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા છે. તંત્ર દ્વારા કામગીરી થઈ હોય તેવા દાવા કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે સમાચારો જોઈએ છીએ ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. જે કામગીરી તંત્ર તેમજ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તે માત્ર કાગળ પર જ છે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે.
માલધારીઓ તેમજ એએમસીની ટીમ વચ્ચે થાય છે ઘર્ષણ
મહત્વનું છે કે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે રખડતા ઢોર મામલે અનેક વખત સરકારની તેમજ તંત્રની ઝાટકણી કાઢી છે. રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ તે માત્ર દેખાડવા પૂરતું જ હોય તેવું લાગે છે. નીતિનો અમલ માત્ર કાગળ પર જ થાય છે તે હવે કોર્ટે પણ સ્વીકારી લીધું! ખરાબ રોડ રસ્તાથી વાહનચાલકોને મુક્તિ ક્યારે મળશે, રખડતા ઢોરના ત્રાસથી, તેમના દ્વારા કરવામાં આવતા હુમલાથી લોકોને ક્યારે રાહત મળશે તે એક પ્રશ્ન છે... અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે લોકોના મોત થયા છે. જ્યારે એએમસીની ટીમ ઢોરને પકડવા જાય છે ત્યારે માલધારીઓ અને ટીમ વચ્ચે ઘર્ષણ થતાં હોય છે.