મહીસાગરના યુવકે ત્રણ વર્ષથી ગુમ થયેલી પત્નીને મેળવવા માટે હાઈકોર્ટમાં કરી હેબિયસ કોર્પસ


  • Published By :
  • Published Date : 2023-04-12 19:22:45

રાજ્યમાં લગ્નોત્સુક યુવકોને તેમની જ્ઞાતિમાં યુવતીઓ ન મળતી હોવાની સમસ્યા સામાજીક ચિંતાનો વિષય બની છે. જો કે હવે યુવતીઓની અછતના કારણે કેટલાક સમાજમાં સાટા પધ્ધતી અને યુવતીઓનું ખરીદ-વેચાણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે યુવકો આદિવાસી વિસ્તારની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. ઘણી વખત આદીવાસી યુવતીઓ સાથે લગ્ન કરનારા યુવકોની પત્નીઓ ગાયબ થવાની ઘટનાઓ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના, લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના એક યુવક હિતેશ કુમાર જયંતિલાલ પટેલની પત્ની રેશ્મા બેન છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયા છે. આ યુવક તેમની પત્ની પાછી મેળવવા માટે હાલ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.


પિયર ગયેલી પત્ની પાછી ન ફરી


હિતેશ કુમાર જયંતિલાલ પટેલના લગ્ન એક દલાલની મદદથી છોટા ઉદેપુરના જોજ ગામની યુવતી રેશ્મા બેન સાથે તા. 28-4-2019ના રોજ થયા હતા. તેમનું દાંપત્યજીવન સારી રીતે ચાલતું હતું તે દરમિયાન તેમની પત્નીને હળવદનો દેવરાજ ગોગાજી રાજપુત અને યુવતીનો નાનો ભાઈ નવીન તેમની સાથે પિયર લઈ ગયા હતા. આ ઘટનાને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તેમની પત્નીનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે ફરિયાદ ન લેતા અંતે હારી-થાકીને હિતેશભાઈએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. તેમ છતાં પણ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.


હળવદ નજીકના એકમાં ગામ હોવાની આશંકા


હિતેશભાઈએ પોતાની રીતે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની પત્ની હળવદ નજીકના એક ગામ ગોલાસણમાં ગંગાબેન પ્રવિણ કુમાર ધાનક સાથે રહે છે. અહીં તે સ્થાનિક ખેડૂત દેવરાજ ગોગાજી રાજપુતના ખેતરમાં ખેતમજુર તરીકે કામ કરે છે. આ પહેલા પણ હિતેશ ભાઈની પત્ની મહીસાગરના પાનમ પાટીયા ટોલ ટેક્સ બુથના સીસીટીવીમાં જોવા મળી હતી.હિતેશભાઈએ મામલે પોલીસનો સંપર્ક કર્યો પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.


CM અને ગૃહમંત્રીને કરી રજુઆત


હિતેશભાઈએ તેમની પત્ની રેશ્માને પાછી મેળવવા માટે છેક CM ઓફિસ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર, સહિતને રજુઆત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તો લુણાવાડા પોલીસ સ્ટેશનમાં  ફેક્સ પણ કરવામાં આવ્યો હતો. આ જ રીતે હર્ષ સંઘવીની ઓફિસે પણ પોલીસને સુચના આપી હતી. જો કે આ રજુઆતનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી.


ફરિયાદીએ લગાવ્યા ગંભીર આરોપ


આ કેસના ફરિયાદી હિતેશભાઈ પટેલે હળવદ તાલુકાના ગોલાસણ ગામના રહીશ અને મોટા જમીનદાર દેવરાજ ગોગાજી રાજપુત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જમાવટ સાથે વાત કરતા કહ્યું કે તેમની પત્ની રેશ્માને  દેવરાજ ગોગાજી રાજપુતે જ ગોંધી રાખી છે. તે ઉપરાંત  તેમને ન્યાય નહીં મળતા તેમણે લુણાવાડા પોલીસ, આઈ જી, પોલીસ કમિશ્નર ઓફિસ સહિતના પોલીસ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. આ કેસને ત્રણ વર્ષ થયા અને આ મામલે હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થાય તે બાબત આપણું તંત્ર કેટલી હદે નિર્માલ્ય થયું છે તે દર્શાવે છે.


હિતેશભાઈ જમાવટનો સંપર્ક કર્યો   


ગુમ થયેલી પત્નીને પાછી મેળવવા માટે ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહેલા હિતેશભાઈ પટેલે અંતે જમાવટનો સંપર્ક કર્યો હતો. ન્યાય માટે રઝળપાટ કરતા હિતેશ પટેલના કેસમાં પોલીસ તંત્ર કેમ આટલું નિષ્ક્રિય છે? સીએમ ઓફિસે અને ગૃહ મંત્રીના કાર્યાલયે પણ આ મામલે કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને ફેક્સ કર્યો હોય, હાઈકોર્ટે યુવતીને હાજર કરવાનું કહ્યું હોય તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરી હાથ પર હાથ રાખીને બેસી રહે તે બાબત ખરેખર દુ:ખદ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?