ગુજરાત હાઈકોર્ટે આજે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલીઝંડી આપતા આશ્રમના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે એ રીતે રી-ડેવલપમેન્ટને હાઇકોર્ટે છૂટ આપી છે. જેમાં મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે અને બાકીના વિસ્તારનું રિ-ડેવલપમેન્ટ થશે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી પણ આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી કાનુની લડાઈ બાદ આ વિવાદનો આજે સુ:ખદ ઉકેલ આવ્યો છે.
આશ્રમ વિકાસ અંગે સરકારનો પ્લાન શું છે?
ગાંધીજી સ્થાપેલા સાબરમતી આશ્રમને વર્ષ 1917માં 100 વર્ષ પુરા થયા ત્યારે સરકારે તેને રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના બાંધકામોમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં એ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. એ ઉપરાંત આશ્રમમાં ઘણા પરિવારો ગાંધીજીના સમયથી રહે છે. રી-ડેવલપમેન્ટ માટે એ પરિવારોને બહાર ખસેડવા પડે તે અનિવાર્ય હતું. આ પરિવારો હટવા તૈયાર ન હતા અને તે વગર આશ્રમનું નવીનીકરણ થઈ ન શકે. આશ્રમના માળખામાં ફેરફાર ન થાય અને ખાસ તો ત્યાં રહેતા પરિવારોને બહાર ન જવું પડે એ માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સરકાર જોકે ત્યાંથી સ્થળાંતરિત થતા દરેક પરિવારને પુરતું વળતર આપવા તૈયાર છે. અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા લોકો આ નવીનીકરણના પ્લાનનો વિરોધ કરી રહ્યા હતા. જો કે હવે હાઈકોર્ટે સરકારને આશ્રમના મૂળ માળખાને નુકસાન ન પહોંચે એ રીતે નવીનીકરણ કરવાની છૂટ આપી છે.